રંગમંચ એ માનવ સંસ્કૃતિ અને સંવેદનાને વ્યક્ત કરવાનું એક શક્તિશાળી માધ્યમ છે. એ માત્ર એક અભિવ્યક્તિ નહીં, પરંતુ સમાજને પ્રતિબિંબિત કરતું દર્પણ છે. દર વર્ષે ૨૭ માર્ચ ના રોજ વિશ્વ રંગમંચ દિવસ ઉજવવામાં આવે છે, જેનુ ઉદ્દેશ્ય નાટ્યકલા અને તેના સૃષ્ટિકર્તાઓનું સન્માન કરવાનું છે. આ દિવસે વિશ્વભરમાં નાટકો, ચર્ચાઓ અને વિવિધ કાર્યક્રમો દ્વારા રંગમંચના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવે છે. ગુજરાતી રંગભૂમિએ પણ આ ક્ષેત્રમાં વિશેષ પ્રદાન આપ્યું છે.
કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગુજરાતી ભાષા ભવન તથા એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, મુંબઈ ગુજરાતી વિભાગ (સ્નાતક - અનુસ્નાતક) નાં સંયુક્ત ઉપક્રમે વિશ્વ રંગભૂમિ દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ રહી છે. આ વિશેષ દિવસે આશીર્વચન, સન્માન સમારોહ, ગ્રંથ વિમોચન અને નાટકનું મંચન યોજાશે, જેની વિગત નીચે મુજબ છે:
📅 તારીખ: ૨૯ માર્ચ ૨૦૨૫, શનિવાર
⏰ સમય: સાંજે ૫:૦૦ કલાકે
📍 સ્થળ: ગુજરાતી ભાષા ભવન, કાંદિવલી એજ્યુકેશન સોસાયટી
આશીર્વચન:
આ પ્રસંગે સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી દિનકર જોષી આર્શીવચન આપશે. શ્રી દિનકર જોષી ગુજરાતી સાહિત્યના પ્રખર લેખક અને નવલકથાકાર છે. તેમણે ઇતિહાસ, જીવનચરિત્ર અને નવલકથાઓ લખી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. શ્રી દિનકર જોષી એ કૃષ્ણજીવન અને મહાભારતના પાત્રોને કેન્દ્રિત કરીને અનેક ઈતિહાસિક કૃતિઓ લખી છે. કૃષ્ણમ વંદે જગદગુરુમ’ તેમનું એક મહત્ત્વપૂર્ણ સાહિત્ય છે, જે ભગવાન કૃષ્ણના જીવન, તત્સમયની ઘટનાઓ અને તેમનાં તત્વજ્ઞાનને ઉત્તમ રીતે રજૂ કરે છે. આ કૃતિમાં તેમણે કૃષ્ણને માત્ર એક દૈવીય પાત્ર તરીકે નહીં, પણ એક મહાન માર્ગદર્શક અને જીવનશાસ્ત્રી તરીકે રજૂ કર્યા છે. શ્રી દિનકર જોષીના લખાણોમાં ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ અને માનવજીવનની ઊંડી સમજ દર્શાય છે.
સન્માન સમારોહ:
ગુજરાતી રંગભૂમિ માટે અપ્રતિમ યોગદાન આપનાર શ્રી સનત વ્યાસ અને શ્રી લીલી પટેલ નું આ વિશિષ્ટ અવસરે સન્માન કરવામાં આવશે. તેમણે દાયકાઓ સુધી ગુજરાતના નાટ્યજગતને સમૃદ્ધ બનાવ્યું છે, તેમાં નવતર પ્રયોગો, અસરકારક અભિનય અને દિગ્દર્શન દ્વારા શોખીનો અને પ્રેક્ષકો પર અનોખું છાપ છોડી છે.
ગ્રંથ વિમોચન:
વિશ્વ રંગભૂમિ દિવસના સુવિશેષ પ્રસંગે "ગુર્જર રંગભૂમિનાં આદ્યપિતા : દીવાન બહાદુર રણછોડભાઈ ઉદયરામ દવે" ગ્રંથનું વિમોચન કરવામાં આવશે. સંશોધક-સંપાદક કવિત પંડ્યા દ્વારા તૈયાર થયેલું આ ગ્રંથ ગુજરાતી રંગભૂમિના પાયાના સ્તંભ ગણાતા રણછોડભાઈ ઉદયરામ દવેના યોગદાન અને અવિસ્મરણીય કાર્ય પર પ્રકાશ ફેંકશે.
નાટકનું મંચન:
આ પ્રસંગે અશ્વજ્યોતિ મહિલા થિયેટર દ્વારા વિખ્યાત લેખક શ્રી કનૈયાલાલ મુનશી લખિત પ્રખ્યાત નાટક "કાકાની શશી" નું ભવ્ય મંચન કરવામાં આવશે, જે નાટ્યપ્રેમીઓ માટે એક અનન્ય અને સ્મરણિય અનુભૂતિ રજૂ કરશે.
આ પ્રસંગે અશ્વજ્યોતિ મહિલા થિયેટર દ્વારા શ્રી કનૈયાલાલ મુનશી લખિત નાટક "કાકાની શશી" નું મંચન દિગ્દર્શક કવિત પંડ્યા, સહ-દિગ્દર્શક રૂપાલી શાહ, સંયોજક દર્શન ઓઝા તથા પ્રતિભાશાળી કલાકારો ફાલ્ગુની વોરા, હેતલ ગાલા, ઇન્દ્રાવતી ઝાલા, અનીતા ભાનુશાલી, નીતા સોલંકી, સાવિત્રી શાહ, જસ્મીન શાહ, શીતલ ઠાકર, શીતલ રાઠોડ દ્વારા કરવામાં આવશે, જયારે સંગીત સંચાલન વેદાંત પાવસ્કર અને પ્રકાશ આયોજન ભાલચંદ્ર દ્વારા હાથ ધરાશે.
આ કાર્યક્રમ તમામ પ્રેક્ષકો માટે નિ:શુલ્ક છે. ગુજરાતી રંગભૂમિ અને સાહિત્યપ્રેમી સૌજન્યે, આ વિશિષ્ટ અવસરનો લાભ લેવા હાર્દિક આમંત્રણ!