નામ પ્રમાણે સાસુ વહુ ની ૨૦-૨૦ જોવા ગયા તો ૨૦-૨૦ જોવા ના મળી પણ ટાઈમપાસ ટેસ્ટમેચ જોવા મળી. જેનો પૂરો યશ ધીરજ પાલશેતકર ના દિગ્દર્શનને જાય છે.આપણને એમ કે સાસુ વહુના ફટાણા ટાઇપ સંવાદો નીકળતા હશે, હાસ્યની છોળો ઉડશે તેને બદલે સાસુ દ્વારા દેવાતા દુ:ખના વરસો જુના તેમજ આજના આધુનિક યુગ સાથે ઓછા બંધબેસતા બોરિંગ વિષયમાંથી હળવું તેમજ રમૂજી નાટક બનાવવામાં 'વેઇટીંગરૂમ' ફેઇમ ધીરજ પાલશેતકર સફળ થયાં છે.
પ્રથમ નાટકનું કથાનક જોઈએ. દેખાવે તો મોર્ડર્ન પણ અધમ કક્ષાના વિચાર ધરાવતી સાસુ વનલતા તેની વહુને ખુબજ દુ:ખ આપે છે, સાસુના ત્રાસથી કંટાળી વહુ બળીને આત્મહત્યા કરે છે, એકાદ વર્ષ પછી વનલતા પુત્રને સમજાવી પુત્રની પસંદગી મુજબની અને વકિલાતનું ભણેલી બીજી વહુ લાવે છે, પરંતુ તે ડરપોક નહી પણ બિનદાસ છે અને પછી શરુ થાય છે સાસુ વહુની ૨૦ ૨૦.
દરેક પાત્રોનો સરસ અભિનય આ નાટકનું જમાપાસુ છે.દિલિપ દરબાર, ગાયત્રી રાવળ, તિતિક્ષા પંડ્યા બધાનો અભિનય સરસ છે. પરંતુ નાટકને પુરેપુરો જાન આપવામાં આવ્યો હોય તો તે છે સાસુના પાત્રમાં ભક્તિ રાઠોડનો અભિનય, આમ પણ ભક્તિ રાઠોડને ગુજરાત સ્ટેટ એવોર્ડ ૨૦૧૮, તિહાઇ ગુજરાતી ગ્લેમર એવોર્ડ ૨૦૧૪ તેમજ અન્ય એવોર્ડ મળેલા છે ને તે સાસુના પાત્રમાં બરોબર ફીટ થાય છે. કુશળ દિગ્દર્શન અને ગાયત્રી પંડ્યાના અભિનય માટે આ નાટક જોવા જેવુ ખરૂ.
*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર , ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે .