"આપણી તો ભાઇ કથા, અંતર મનની વ્યથા" હા આ કથા અને વ્યથા છે કાશ્મીરની અને કાશ્મીરીઓની, કાશ્મીરનાં છેવાડે સરહદની નજીક રહેતા બુઝુર્ગની, આતંકવાદ સામે લડતા શહીદ થયેલા ફૈાજી પત્નીની, પોતાના જાનથી પણ વધારે કાશ્મીરનાં સફરજનને પ્યાર કરનાર હિન્દુ કાશ્મીરીની, પોતાના ભાઇની હત્યાથી રાહ ભુલેલા આતંકવાદીની, હિન્દુસ્તાની હોવા છતાં પોતાના દેશમાં રહેતા નિરાશ્રિતોની તેમજ આ બધાની વચ્ચે વાડા સીમાડા, દ્વેષ દુશ્મની, જાત પાત બધું ભૂલી વૃક્ષને ધીરે ધીરે ફૂંટતી કુંપણની જેમ પાંગરતા પ્રેમની અને આ બધી કડવી છતાં સત્ય, સંવેદનશીલ વાતો કહેવાઈ છે શરીર પર ફરતાં મખમલી મોરપીંછ જેટલી નઝાકતથી.
બુઝુર્ગ અબ્દુલ પાકિસ્તાન સરહદની નજીક પાંખી વસ્તી ધરાવતા કાશ્મીરનાં નાના ગામમાં રહે છે તેનો મિત્ર શ્યામલાલ જે સફરજનને બહુજ જતનથી ઉગાડીને શહેરમાં મોકલે છે તે સફરજન રાખવાની પેટી અબ્દુલ બનાવે છે. અબ્દુલનાં ઘર આગળ આતંકવાદી અને ફૌજીની મૂઠભેડ થાય છે જેમાં લોહી રેડાય છે પણ આમાં ફૌજી યુવતી અને એક આતંકવાદી ઝખમી હાલતમાં બેભાન હતાં તેને અબ્દુલ બચાવે છે અને પોતાના ઘરે લાવે છે. હવે એકજ ઘરમાં આતંકવાદી અનવર અને ફૌજી યુવતી જેલમ, દરેકને માનવતાની નઝરે જોનારો પણ દિલમાં બોજ દબાવીને બેઠેલો અબ્દુલ તેમજ પોતાના નુકશાન થયેલા પાકથી આઘાત પામેલો શ્યામલાલ. સાથે રહેતા રહેતા દરેકની યાદોનાં પળ ઉખડતાં જાય છે, દરેક દ્વારા દિલમાં ધરબયેલો દુખનો બોજ વાચા બનીને બહાર આવે છે અને નફરત દોસ્તીમાં અને દોસ્તી લાગણીમાં કાશ્મીરની જેલમ નદીમાં વહેતા નિમૅળ જળની જેમ વહેતી જાય છે આ બધાં સાથે આપણે પણ વહેતા જઈએ છે અને આપણી સાથે વહે છે સંવેદનશીલ પટકથા, ચુસ્ત દિગ્દર્શન, ટૂંકા છતાં ચોટદાર સંવાદો, પરિપક્વ અભિનય, નયનરમ્ય મંચસજ્જા અને કણૅપ્રિય સંગીત.
અગાઉ રંગભૂમિના અપવાદ સમું નોખી ભાત ધરાવતા જબરજસ્ત નાટક 'કોડમંત્ર' ની ત્રિપુટી નિર્માતા ભરત ઠક્કર, લેખિકા સ્નેહા દેસાઈ અને દિગ્દર્શક રાજેશ જોષી કાશ્મીરનાં સાંપ્રત વિષયને રજૂ કરતું નાટક 'સફરજન' લઇને આવેલ છે જે કાબિલે તારિફ છે. સ્નેહા દેસાઈની પટકથા લાગણી સભર અને દિલને સ્પર્શી લેનાર છે, રાજેશ જોષીનું દિગ્દર્શન આલ્લા દરજ્જાનું છે.
અબ્દુલના પાત્રમાં ધર્મેન્દ્ર ગોહિલે પ્રાણ રેડ્યા છે ચોટદાર અને વેધક સંવાદો એટલી સહજતાથી કહી જાય છેકે કે દાદ આપ્યાં વિના ન રહેવાય, જેલમનાં પાત્રમાં અમી ત્રિવેદી પણ લાજવાબ છે, આતંકવાદી અનવરના પાત્રમાં આનંદ ગોરડિયા તેમજ શ્યામલાલનાં પાત્રમાં પરાગ શાહ ખૂબ ખૂબ વખાણવાલાયક છે.
નાટકમાં અન્ય બે મુખ્ય પાત્રો છે અને તે છે સંગીત અને મંચસજ્જા તેમજ લાઇટિંગ. નયનરમ્ય સેટ અને કાશ્મીરી સંગીતનો કલરવ આપણને માયાનગરીમાંથી કાશ્મીરના નાના ગામમાં લઇ જાય છે. નાટકનું સંગીત વાતાવરણને મોહક બનાવે છે.
કોડમંત્રની ત્રિપુટી દ્વારા કઇંક નવીન અને ઉચ્ચતમ આપવાની ધગશ, અનેરું સર્જન કરવાની ખેવના ગુજરાતી નાટ્યરસિકો માટે અત્યંત લાભદાયક છે અને તે લાભ લેવાનું ચૂકશો નહીં.
*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે.