Direction : Khanjan Thumber Writer : Priyam Jani Cast : Krishna Gokani, Mihir Rajda, Khanjan Thumber
PA PA PAGLI Review
પરિવર્તન સંસારનો નિયમ છે જે દિવસો સરી ગયા છે તે પાછા આવવાના નથી, આજે જે પરિસ્થિતિ છે તે કાયમ રહેવાની નથી, કાળ તેમજ સમયનું ચક્ર નિયમિત ચાલતું રહેવાનું તે આપણે સ્વીકારવું જ રહ્યું. આપણે જેને જીવથી પણ વધારે ચાહિયે છે, પ્રેમ કરીએ છીએ તે પણ તમને પ્રેમ કરતો હોય પણ તે સંબંધમાં પણ જ્યારે પઝેસિવનેસ કે માલિકીપણું આવી જાય ત્યારે તે પ્રેમ પ્રેમ નહીં કેદ બનીને રહી જાય છે પછી તે સંબંધ પતિ પત્નીનો હોય, મા બાપનો સંતાનો સાથે હોય કે પછી કોઈ બે મિત્રોનો હોય. જેમ ચહેરે મહોરે સામ્યતા હોતી નથી તો આચાર વિચાર સરખા જ હોવા જોઈએ તેમ માનવું કેમ શક્ય બને? માઁનો લાડકો દીકરો પરણીને વહુ લાવે તો માઁ વગર કારણે પહેલેથી બેચેન બની જાય અને તેના મનમાં ગ્રંથિ ઘર કરી જાય કે વહુએ મારો દીકરો છીનવી લીધો કે મારા પ્રેમમાં ભાગ પડાવી લીધો. માની લીધું કે આમાં અમુક અંશે તથ્ય હશે પરંતુ અગાઉ કયા પ્રમાણે પરિવર્તનને સ્વીકારવું જ રહ્યું. આટલી લાંબી પ્રસ્તાવના બાંધ્યા પછી ખ્યાલ તો આવી જ ગયો હશે કે નાટક પાપા પગલી કયા વિષય સાથે વણાયેલું હશે? હા અહીંયા વાત છે બાપ દીકરાના પ્રેમની બાપના પ્રેમમાં રહેલા પઝેસીવનેસ તેમજ અસલામતીની અને તે બંનેના પ્રેમમાં વિક્ષેપ પાડી પાપા પગલી કરીને પ્રવેશતી નવવધુની. ખંજન ઠુંબરની પરિકલ્પના ઉચ્ચતમ છે અને તેની માવજત પણ મખમલી છે, ગહન વિષયને પણ મૃદુ સ્પર્શ આપી હલકી ફુલકી રીતે રજુ કરી છે અને બીજા કોઈ એન્ટરટેનમેન્ટની પરવા કર્યા વગર ફક્ત ત્રણ કલાકારોના સહારે સંપૂર્ણ નાટક પાર પાડેલ છે તેથી નાટક ઉચ્ચ કક્ષાનું તેમ જ ક્લાસિક બની શક્યું છે.
પિતા જયસુખ અને પુત્ર આકાશ એમ બે જણ નો પરિવાર છે તે બંને એકબીજાને અનહદ પ્રેમ કરે છે બાપ દીકરા કરતાં મિત્રોની જેમ રહે છે, ભાવતી વાનગીઓથી લઈને ભાવતી મદિરા સાથે મળીને શેર કરે છે પરંતુ આ જ પ્રેમના અતિરેકમાં પિતા ભૂલી જાય છે કે પુત્રને પણ પોતાના કોઈ અરમાન હોય, ઉંમરને હિસાબે તેને પણ લગ્ન કરવાના ઓરતા હોય અને આવા વિચારોને હિસાબે પુત્રના જીવનમાં અન્ય કોઈ વ્યક્તિનું આગમન થાય ને પોતાના પ્રેમમાં ભાગ પડાવે એવું ન ઈચ્છવા છતાં પણ આ પરિસ્થિતિ નિર્માણ થઈને રહે છે અને સ્ત્રી વિનાના ગંદા ગોબરા ઘરમાં રહેતા બે પુરુષના ઘરમાં પ્રવેશે છે ઠરેલ, લાગણીશીલ તેમજ સમજુ પુત્રવધુ ઉર્જા. પિતાના મગજમાં ઘર કરી ગયેલી ખોટી જડતાને કારણે સંબંધોમાં ભીનાશની ગેરહાજરી રહે છે ત્રણેય પાત્રો મૂંઝવણ અનુભવે છે, ટેન્સ રહે છે પરંતુ બીળાયેલા કમળ પરથી જેમ એક એક પાંખડી ઉઘડતી જાય તેમ સમય અને સંજોગ સાથે લાગણીના એક એક પડ ઉખડે છે, પ્રેમ આત્મીયતા અને પોતિકાપણાના ભાવ ઉત્પન્ન થાય છે પરંતુ કેવી રીતે તે જાણવા માટે તો આ પરિવારને મળવું જ પડે.
નાટકમાં ત્રણ જ પાત્રો હોવાથી ત્રણે કલાકારોને સરખું ફૂટેજ મળેલ છે અને ત્રણેય કલાકારોએ જોરદાર અભિનય આપી પાત્રને સરસ ન્યાય આપ્યો છે, ટૂંક સમય પહેલા રજુ થયેલું ગોળ કેરી નાટકમાના સુપર્બ અભિનય તેમજ અત્યારના પાપા પગલીમાના પ્રેમાળ પુત્ર તેમજ પતિની ભૂમિકા જોયા બાદ લાગે છે કે ખંજર ઠુંબર ની દિગ્દર્શન તેમજ અભિનય પર સારી એવી પકડ બેસી ગઈ છે, પિતા પુત્રના થતા ઝઘડામાં પુત્ર તરીકેની દિલની વેદના વ્યક્ત કરતો પ્રસંગ અફલાતૂન છે.
પુત્ર પરત્વે ના અનહદ પ્રેમ તેમ જ લાગણી તેમજ દિલમાં સમાવી રાખેલ વેદનાને કારણે અસલામતી અનુભવતા પિતા જયસુખ દેસાઈની ભૂમિકામાં મિહિર રાજડાનો અભિનય પણ ખૂબ જ સુંદર છે તેમજ ગંભીર વાતાવરણમાં થોડી રમુજ પણ પેદા કરે છે.
પરિપક્વ, પ્રેમાળ તેમજ પરફેક્શનમાં માનનારી પુત્રવધુ ઊર્જાના પાત્રમાં કૃષ્ણા ગોકાની ઠુંમરનાં ભાગે પણ સરસ કિરદાર આવેલ છે તે નિભાવવા માટે તેણે પણ ભરપૂર પ્રયત્ન કરેલ છે અને જે ખૂબ સફળ પણ થયો છે સસરા વહુ નો ઝગડો અને ત્યારબાદ એકબીજાના અંતરની વેદના વ્યક્ત કરતો પ્રસંગ એક્સેલન્ટ છે. લેખક પ્રિયમ જાની ની કથા એક નવું વાતાવરણ ક્રિએટ કરે છે તેમણે ચિલાચાલુ કથાઓથી હટકે નવા વિષયને સ્પર્શ કર્યો છે નિર્માતા દિગ્દર્શક ખંજન ઠુંબરનું ડાયરેક્શન પરફેક્ટ છે. નાટકમાં સંગીતકાર સિદ્ધાર્થ અમિત ભાવસારનો પણ ઉલ્લેખ કરવો રહ્યો જેના સંગીત થકી નાટક લાઈવ લાગે છે.
બોમ્બે ટોકીઝ નું વિશાલ ગોરડીયા પ્રસ્તુત, ખંજન ઠુંબર નિર્મિત, દિગ્દર્શિત તેમજ અભિનિત નાટક જોતા તમને ખ્યાલ પણ નહિ રહે કે અજાણતા આ નાટક પા પા પગલી કરતું તમારા દિલના એક ખૂણે ક્યારે અમિટ છાપ મૂકીને જતું રહ્યું.
*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે.