દાંપત્ય જીવનમાં દાયકાઓ થી ચાલી આવતી પરંપરા એટલે કે પતિ કમાવા જાય અને પત્ની ઘર સંભાળે, પતિ તેના શોખ, તેની મહત્વકાંક્ષા પૂરી કરવા બધું કરી છુટે પરંતુ સ્ત્રીએ તેના શોખ, તેના સપના, તેની કલા તેની ઘરકામ સિવાયની અન્ય આવડતો ને દબાવી પતિ તેમજ પરિવારનું ધ્યાન રાખવું એ જ કામ રહી જાય અને આ બધા પછી પણ પાછું માન, મોભો, પ્રાધાન્ય ને જશ બધું પુરુષોને જાય અને સ્ત્રીના સમર્પણની કે કામની કોઈ કદર ન થાય. પણ ધારો કે આ જ વાતમાં ઉલટ ફેર બને તો ? સ્ત્રી કમાવા જાય અને પુરુષ ઘરકામ કરે પત્ની તેના સપના પૂરા કરે અને પતિ તેની આકાંક્ષા ઈચ્છાઓનો ભોગ આપે તો ?
પતિ પત્નીના દાંપત્ય જીવનના આજ વિષયને વાચા આપતું નાટક એટલે કે 'ગોળ કેરી'.
હા પણ રખે ને સમજતા કે આ નાટક બીબાઢાળ કે melodrama હશે, ખૂબ જ અલગ angle થી તેમજ આનંદમે રીતે આ વિષય રજૂ કરવામાં નાટકની ફૂલ ટીમે કોઇ જ કસર છોડી નથી.
વાત છે નરમદિલ લાગણીશીલ અનાથ એવા મિત્તલની જે ટિફિન સર્વિસ ચલાવે છે તેનું passion કુકિંગ છે અને તેની હાથોના કસબથી તે આલાદરજ્જા નું ભોજન બનાવી લોકોને પહોંચાડે છે અને હા તેમાં ખટમીઠી ગોળકેરી તો ખરી જ. તેની સાથે તેનો ઉછેર કરનારા કાંતાબેન તેમજ અન્ય સાથી લવિંગ્યો તેને મદદ કરે છે લગ્ન કરવા માટે desperate મિતલનો કોઈ છોકરી સાથે મેળ નથી ખાતો અને અકસ્માતે તેનો ભેટો થાય છે મનસ્વી સાથે, નામ પ્રમાણે જ મનસ્વી નો સ્વભાવ છે તેની પાસે પોતાનું કેરિયર છે, સપના છે તેને typical type ની housewife થઈને રહેવું પસંદ નથી અને શરૂ થાય છે ઉલટી ગંગા રૂપીનો સંસાર. મિત્તલ homemaker ને મનસ્વી working woman. ગોળકેરી જેવો આ ખટમીઠો સંસાર કેવો ચાલે છે? શું વળાકો આવે છે?
આ નાટકના મુખ્ય કલાકાર, નિર્માતા તેમજ દિગ્દર્શક ની ત્રેવડી જવાબદારી નિભાવનાર ખંજન હુંબર માટે શું કહું ? નાટકનો મોટો ભાર તેના પર જ છે અને તે માટે તેને ફુલ માર્ક્સ આપવા પડે.બહુ મોટી વાત પણ તે કેટલી સહજતાથી કહી શકે છે, ભોળો ભલો, નિર્દોષ તો તેના દેખાવથી જ લાગે છે, અમુક વર્ષો પહેલા ટીવી પર આવેલી ભાખરવડી સીરીયલમાં પણ એમનો અભિનય વખણાયેલો. આ સિવાય પણ તેમણે ગુજરાતી ફિલ્મો ચાર, રંગ જિંદગીના સતી પર સત્તો વગેરે કરેલી છે મનસ્વીના પાત્રમાં ટીવી સિરિયલની જાણીતી અભિનેત્રી નમ્રતા પાઠક નો અભિનય પણ શાનદાર છે,forward છતાં દિલની નરમ યુવતી નો કીરદાર તે સુપેરે નિભાવી જાય છે, આ સિવાય ભૂમિ શુક્લ, પાર્થ ઠક્કર,સુમિત ત્રિવેદી અને પ્રણવ વૈદ નો અભિનય પણ અભિનંદન ને પાત્ર છે. ખંજન ઉંબર નું દિગ્દર્શન નાટકમાં પ્રાણ પૂરે છે, નાટકની એક પણ પ્રેમમાં કચાશ નથી રહેવા દીધી. આ સિવાય સ્ટેજ રચના તેમજ સંગીત પણ નાટકને અનુરૂપ છે.
ટૂંકમાં વિશાલ ગોરડીયા પ્રસ્તુત નાટક ગોળ કેરી નો ચટાકેદાર સ્વાદ નહીં લો તો અફસોસ રહેશે.
*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે.