વર્લ્ડ કપના જીતની ઉજવણીની તૈયારી રાખીને બેઠા હોય અને જ્યારે સળંગ દસ મેચ જીત્યા બાદ ભારતની હારથી દુઃખી દુઃખી થઈ ગયા હો, અન્યથા ઘર, કુટુંબ કે સ્વાસ્થ્યની ચિંતાથી ડિપ્રેશનમાં આવી ગયા હોવ તો તેને પ્રોડ્યુસર ડિરેક્ટર એક્ટર નિમેષ શાહ કહે છે કે "ડોન્ટ વરી મૈ હું ના" અને આ બધા ટેન્શન માંથી મુક્ત કરવા તે લઈને આવ્યા છે તેમનું નવું નાટક જલેબી ફાફડા. જેમ ફાફડા ને જલેબીની જોડી તેવી જ આ જોડી. આ બેલડી નું કામ છે પારિવારિક પરેશાન લોકોની સમસ્યા જાણી તેમની તકલીફ નિવારી તેમના જીવનમાં ખુશીઓ ભરવાનું, કહો કે ખુશી દત્તક લેવાનું.
'પાનખરમાં વસંત થવું મને ગમે છે, યાદોની વર્ષામાં ભીંજાવું મને ગમે છે, આંખો ભીની રહેવાની જીવનમાં પણ એકબીજાને હસાવતા રહેવું મને ગમે છે'
આજ મૂળ મંત્ર સાથે જીવતા આપણા જલેબી ફાફડા નામના યુગલની વાત લઈને આવ્યા છે નિમેષભાઈ.
કથા છે બે પરિવારની. ગાર્ડનમાં યોગા કરતા આ જોડીને એક બુઝુર્ગ નો ભેટો થાય છે વાત નીકળતા ખબર પડે છે કે તેનો દીકરો સાર્થક તેમજ તેની વહુ ઉર્વશી તેમને ઘરમાં રાખવા માગતા નથી અને માનસિક બીમાર ગણાવી ઓલ્ડ એજ હોમમાં મુકવા માંગે છે ત્યારે તેમની વેદના જાણી આ જોડી એક પ્લાન ઘડે છે અને દીકરા વહુની શાન ઠેકાણે લાવે છે પરંતુ આ બધું એકદમ હસતા હસાવતા ગરબા ગાતા ગાતા અને મોજ મસ્તી કરતા કરતા...
બીજા પરિવારની વાત એટલે કે આ જલેબી બેન અને ફાફડાભાઈ ના પોતાના પરિવારની. જેમના પરથી જ આ લોકોને પ્રેરણા મળે છે કે આપણે માનસિક તકલીફમાં રહેતા અન્ય પરિવારને મદદરૂપ થઈએ. તેમને ત્યાં તેમના પિતા, નાનો ભાઈ શુભમ તેમજ તેમની પત્ની ડિંગી તેમ પાંચ જણનો સુખી પરિવાર છે. દેરાણી જેઠાણી ને પણ ખૂબ બને પણ ન જાણે કોની નજર લાગી કે નાના દીકરા શુભમને શેર બજારમાં ખોટ ગઈ ને સુખી પરિવાર અલગ થવાની નોબત પર આવી ગયો. પરંતુ તેમના આ પરિવારમાં પાછી ખુશી લાવી ઘરની મોટી વહુ, તેમણે દેરાણી અને સસરા સાથે મળીને ધમાલ મચાવી, પ્રેશકોને સરસ મનોરંજન પૂરું પાડીને પરિવારમાં પાછી શાંતિ સ્થાપિત કરી.
સંવેદનશીલ વાતને પણ ગંભીર રીતે કે ભારેખમ થઈને નહીં પણ હાસ્યથી માર્મિક રીતે સમજાવવું તેમજ દર્શકોને ભરપૂર મનોરંજન કરાવવું તેજ આ નાટકનો ધ્યેય છે અને તેમાં નિમેષ શાહ એકદમ સફળ થયેલ છે.
નાટકના મુખ્ય કિરદાર નિમેષ શાહન અને મલ્લિકા શાહ નો અભિનય નાટકની જાન છે એક સરખું સળંગ બોલી જવું, કેડિયા ચણિયાચોળી પહેરી ગરબા ગાવા કે પછી રાજેશ ખન્ના, અમિતાભ વગેરેના પિક્ચર ના નામ સાથે સડસડાટ ડાયલોગ બોલી હાસ્ય વેરવું વગેરેમાં આ બંને અદાકારો મેદાન મારી જાય છે આ બંનેની જોડી પહેલા પણ 'પાપા વન્સ મોર' 'પટેલને ટોકે કે તેને ભગવાન રોકે' વગેરે નાટકોમાં પણ હાસ્યથી ધૂમ મચાવી છે તેમની સાથે સાર્થક તેમજ શુભમના પાત્રમાં જાણીતા કલાકાર નિખિલ પરમાર પણ સરસ સાથ પૂરે છે. નિમેષભાઈ સાથેનો તેમનો ડોલા રે ડોલા મન ડોલા ડાન્સ મનોરંજક છે, ઉર્વશી તેમજ ડિંગીના પાત્રમાં વિશ્વા ગરાછ તેમજ બાપુજીના પાત્રમાં સમીર રાજડાનું પણ નાટકમાં તેટલુંજ યોગદાન છે. સેટરચના પણ નયનરમ્ય છે. લેખન, દિગ્દર્શન અને અભિનયની ત્રેવડી જવાબદારી નિમેષભાઈએ ઉપાડી છે અને તેમાં તેમની સફળતા માટે ફુલ માર્ક્સ આપવા રહ્યા. કોઈપણ કલાકાર કે દિગ્દર્શક માટે સુંદર નિર્દોષ હાસ્ય પીરસવું એ સૌથી કઠિન કામ છે પરંતુ જ્યાં નિમેશ શાહ જેવા કોમેડી કિંગ હોય અને મલ્લિકા શાહ આવટે જેવા કોમેડી ક્વીન હોય ત્યારે દર્શકો ના અઢી કલાક ફુલ પૈસા વસૂલ હોય તેમાં કોઈ સંશય નથી.
*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે.