Direction : Kamlesh Oza Writer : Kamlesh Oza Cast : Kamlesh Oza
, Leena Shah
, Yash Gajjar
, Shailja Shukla
, Ankit Popat
DOSTI UNLIMITED Review
ચાલ અડધી ચા પીએ આજે એક નાજુક નમણી મૈત્રી ની વાત કરવી છે,આ મૈત્રી એટલે મીંઢળ અને નાડાછડી જેવા સંબંધની વાત, આ મૈત્રી એટલે પાસે ચાલતા ચાલતા થતા અછળતા સ્પર્શની વાત, આ મૈત્રી એટલે ઘીના દીવા જેવી મદ્ધમ રોશની ની વાત!"
એમાં પણ વિજાતીય મૈત્રી યજ્ઞના પાવક અગ્નિ જેવી છે પવિત્ર અને શુદ્ધ .આ મૈત્રી જીવનમાં સરગમના સાતે સુર ભરી દે છે, સુખડના અત્તર જેવી આ મૈત્રી સંગ સંગ ચાલતી રહે છે અને દિલ દિમાગને તરબતર રાખે છે. જ્યારે બીજી બાજુ લગ્નએ બે આત્માઓના મિલનનો પવિત્ર સંગમ છે બંને વચ્ચેના વિશ્વાસની પાતળી ડોર એકમેકને બાંધી રાખે છે. પતિ પત્નીનું લગ્નજીવન અને તે બંનેના અલગ અલગ મિત્રો સાથેની દોસ્તી વચ્ચે બરાબર બેલેન્સ રાખવું જેથી બે અલગ અલગ સંબંધો વચ્ચે કોઈ શક કે વિવાદની ગુંજાઇશ ન રહે. પરિવાર અને દોસ્તી આ બંને જરૂરી છે કારણ પરિવાર જેવી દવા અને મિત્રો જેવી રોગ પ્રતિકારક શક્તિ હોય ને તો જીવનમાં કોઈ બીમારી ન રહે. પરંતુ આ ન બનવાનું બને તો? લગ્નજીવન અને મિત્રો વચ્ચે નું આ બેલેન્સ લડખડાઈ જાય તો?
વિક્રમ અને શિવાની નો નવો પરણેલો સંસાર છે, સારા મજાનાં મોટા ઘરમા બંને જણે એકલા જ આનંદથી રહે છે અને નવો શરૂ કરેલો સંસાર ચલાવે છે. શિવાની હજી વધુ પરિપક્વ ન હોવાને હિસાબે ઘરકામ કે રસોઈની બાબતોની ભલે વધુ ફાવટ ન હોય પરંતુ નિર્દોષ, સમજુ તેમજ લાગણીશીલ છે. વિક્રમ પણ કમાવ ધમાવ, પ્રેમાળ છે તેમજ શિવાનીની રસોઈ ની કે અસ્તવ્યસ્ત ઘરની નાની નાની તકલીફો ધ્યાનમાં ન લેતા અન્ડરસ્ટેન્ડિંગથી રહે છે. શિવાનીને મોબાઈલ પરના રીલ બનાવવાનો ભારે ક્રેઝ છે અને તે નીતનવા રીલ બનાવી અપલોડ કરે છે એમાંનું એકાદુ રીલ ઉચિત્ય ભંગ થતો હોવાનું લાગતા વિક્રમ તે રીલ કાઢી નાખવાનું પણ કહે છે, જે બાબતે બંને વચ્ચે થોડું મનદુઃખ પણ થાય છે.
શિવાનીને એક ખાસ મિત્ર છે પોપટલાલ બંને નો સાથ બાળપણનો છે અને અચાનક એક દિવસ પોપટલાલનું વિક્રમ-શિવાની ના ઘરે આગમન થાય છે, પોપટલાલ સ્વભાવે અત્યંત રમુજી, થોડું ગાંડપણ પણ ધરાવતો પરંતુ નિખાલસ અપરિણીત મોટીવેશનલ સ્પીકર છે. આ બાજુ વિક્રમને પણ પ્રિયંકા નામની મિત્ર છે. પોપટલાલ તેમજ શિવાનીની મૈત્રી અરે કહો કે નિર્દોષ મૈત્રી, તે બંનેનું અલ્લડપણું , મજાક મસ્તી વિક્રમને કઠે છે, વિચલિત કરે છે અને સમય જતા શકનું બીજ પણ રોપે છે. આ બાજુ પરદેશથી ડિવોર્સ લઈને આવેલી પ્રિયંકા પણ વિક્રમ માટે એક તરફી લાગણી ધરાવે છે. લગ્ન પહેલા તે બંનેને પણ પ્રેમ હતો પણ પારિવારિક કારણો ને હિસાબે લગ્નમાં પરિણમી ન શક્યો પરંતુ લગ્ન બાદ વિક્રમ શિવાની માટે વફાદાર જ હતો. પણ વિક્રમ અને શિવાનીના મિત્રોને હિસાબે બંનેના જીવનમાં અવિશ્વાસની લાગણી ઉત્પન્ન થાય છે. આ બધાની હિસાબે સર્જાય છે સંબંધો વચ્ચે ખાઈ. આટલું કથાનક વાંચ્યા પછી એમ નહિ સમજતા કે આ નાટક આખું શક અને સબંધ પર જ અટકેલું ભારેખમ નાટક છે, આ વિષય હોવા છતાં હાસ્ય, મજાક મસ્તી, તોફાનીપણું એ બધું પણ ઠાંસી ઠાંસીને ભરેલું છે અને શક અને સંબંધોનાં ચક્રવ્યુહમાંથી વધારે કોઈ ટેન્શન લીધા વિના મોજ મસ્તીથી હસતા હસતા બહાર નીકળે છે કે નહીં અને નીકળે છે તો કઈ રીતે? તે માટે તો આ બધા મોજીલા પાત્રોને જ મળવું પડે.
મૂળ લેખક ક્ષિતિજ પટવર્ધન ની કથા પર આધારિત લેખન દિગ્દર્શન અને અભિનયની ત્રેવડી જવાબદારી નિભાવનારા સુપ્રસિદ્ધ જાણીતા ખીચડી સીરીયલના ભાવેશકુમાર અને આપણા કમલેશ ઓઝાની વાર્તા સંબંધોની ગેરસમજણ પર હોવા છતાં મૂળ આશય હસવા હસાવાનો, પ્રેક્ષકોને ભરપૂર મનોરંજન પૂરું પાડવાનો, થાકી કંટાળીને આવેલા રૂટિન લાઇફમાંથી નીકળી અઢી કલાકનો આનંદ કરાવવાનો જ છે. કમલેશ ઓઝા નો બિન્દાસ અભિનય તેની કાબેલિયતની સાક્ષી પુરાવે છે અને પોતાની ત્રેવડી જવાબદારી પૂર્ણપણે પાર પાડે છે. પોતાની ભૂમિકા નિભાવતા પ્રેક્ષકો સાથે પણ જબરજસ્ત તાલમેલ બેસાડે છે. વિક્રમ પોપટલાલની હેલ્પ લેવા આવે છે તે દ્રશ્ય હોય કે વિક્રમ અને પોપટલાલ સાથે શરાબ પીવે છે તે દ્રશ્ય હોય, દરેક પ્રસંગમાં કમલેશ ઓઝા દર્શકો સાથે નો અદભુત તાલમેલ રજુ કરે છે. તેની સાથે વિક્રમની ભૂમિકામાં યશ ગજ્જર તેમજ શિવાની ની ભૂમિકામાં લીના શાહનાં અભિનયનું જરા પણ ઓછું મૂલ્યાંકન કરી શકાય તેમ નથી. લીના શાહની પણ એક્ટિંગ બિન્દાસ અને બેમિસાલ છે. યશ ગજ્જર પણ ઘણું સારું મનોરંજન પૂરું પાડે છે કમલેશ ઓઝા જેવા મનોરંજનના મહારાજા સામે આટલો સુંદર અભિનય આપવો પણ નાનીસુની વાત નથી. પ્રિયંકાના પાત્રમાં શૈલેજા શુક્લનો અભિનય પણ સારો સાથ પુરાવે છે. ભલે પાંચ સાત મિનિટ માટે આવતા અંકિત પોપટ ની વેશભૂષા પણ મનોરંજન કરાવી જાય છે.
ઋતુ ઓઝા અને સમીર ઢોલિયા નિર્મિત, ચિત્રક શાહ, કિરણ માલવણ પ્રસ્તુત તેમજ કમલેશ ઓઝા લિખિત દિગ્દર્શિત અને અભિનીત 'દોસ્તી અનલિમિટેડ'માં છે, દરેક પાત્રનો અભિનય અનલિમિટેડ, હાસ્ય અનલિમિટેડ, મનોરંજન અનલિમિટેડ, દોસ્તી અનલિમિટેડ.
*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે.