રોજની રૂટિન લાઈફથી કંટાળ્યા છો? ઘરનાં કે કામધંધાના tension માથી મુક્ત થવું છે? તો સિદ્ધાર્થ રાંદેરિયાનું બ્લફમાસ્ટર ગુજ્જુભાઈ જોઇ આવો, હા શરત એટલી કે તમારું મગજ તમારે ઘરે કે ઑડિટોરિયમની બહાર મૂકીને પછીજ નાટક જોવા જવું અને પોતાની જાતને બહુ બુદ્ધિજીવી સમજવી નહીં કે ન કોઈ logic લગાવાનું. આ તો સિદ્ધાર્થભાઇ છે, એના નાટકોની એક pattern છે એમા 'એની માને', 'મને ગોઠવવા દો' વગેરે વાક્યો નો વારંવાર ઉપયોગ હોય, external affair નું ચક્કર હોય. હમણાં હમણાં એમણે આતંકવાદીને include કર્યા છે અને આ બધું ઘણીવાર monotonous પણ લાગે છે, એમના ઘણા નાટકોમાં interval સુધી tempo જળવાઈ રહે છે પણ પછી આપણને પણ ઘણા દ્રશ્યો ધંગધડા વગરના લાગે છે ભલે આપણે મગજ ઘરે મૂકીને આવ્યા હોઇએ.
ચાલો હવે પ્રવિણ સોલંકીની કથા વિષે.
આપણા ગુજ્જુભાઈ કોલેજમાં પ્રોફેસર છે અને ઠીકઠીક કહી શકાય એટલી આવકમાં પત્ની મોના સાથે રહે છે. તેમનો એક મિત્ર છે જે ગુજ્જુભાઈનાં નાના મોટા કામો કરી આપે તેમજ સંકટ સમયે સલાહ આપી રસ્તો પણ સુઝાડે. પ્રોફેસરનાં સાસુ નૈરોબીથી તેની દિકરીને મોટી રકમનો ચેક આપવા આવે છે, પણ જમાઈને બરોબર પારખીને. અહિયાં સુધી સ્ટોરી સમજાણીને? પણ અચાનક પ્રોફેસરનાં જીવનમાં એક યુવતી ફૂટી નીકળે છે અને એક દિવસ ગુજ્જુભાઇના ઘરે આવીને તેને kiss કરે છે અને તેની પત્ની જોઇ જાય છે. હવે કયાંથી આ યુવતી પ્રગટ થઇને આવી અને પાછી કયા ગઇ તે નહીં પૂછવાનું. રિસાયેલી પત્નીને મનાવવા ગુજ્જુભાઈ અને તેનો મિત્ર મળીને જુઠ્ઠાણું ચલાવે છે અને પછી શરૂ થાય છે સિદ્ધાર્થ રાંદેરિયા ટાઇપની ધમાલ.પત્ની, મિત્ર, સાસુ, નકલી cbi, અસલી cbi વગેરેની ફેરફૂદરડી અને ગોટાળાની હારમાળા.
સિદ્ધાર્થ રાંદેરિયાનાં અગાઉના દરેક નાટકોની જેમ આમાં પણ one man show એ પોતેજ છે. અભિનયમાં અને કોમેડી પીરસવામાં એમની હથોટી છે એની ના નહીં પણ હવે એમ લાગે છે કે તમે હવે વરસો પછી કંઇક નવીન લાવો, તમારી પાસેથી સદાબહાર એક્ટર સંજીવકુમારની જેમ versatile acting ની ખેવના છે. બાકી તેજલ વ્યાસ તેમજ નિલેશ જોષીએ સારો સાથ નિભાવ્યો છે. પ્રવિણ સોલંકીની સ્ટોરી માં કંઈ ભલીવાર નથી.
બાકી weekend ની સાંજ હસતા હસતા પસાર કરવા સિધ્ધાથૅભાઈ બ્રાન્ડનાં ચાહકો માટે બ્લફમાસ્ટર ગુજ્જુભાઈ જોવામાં કોઇ વાંધો નહીં.
*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે.