એકબીજાના આડા સંબંધો છુપાવવા જૂઠનો સહારો લેતા વિવિધ પાત્રો અને તેમાંથી પ્રગટ થતું નિર્દોષ ખડખડાટ હાસ્ય એટલે કે સંજય ગોરડીયા દિગ્દર્શિત તેમજ અભિનિત નાટક બે અઢી ખીચડી કઢી. આ નાટક જોતાજ મને વરસો પહેલાંનું સ્વર્ગસ્થ તારક મહેતાનું 'લફરા સદન' નાટક યાદ આવી ગયું.
બટુક ઉર્ફે કે ચંદુ નાનો મોટો ચોર છે તેની પત્નીનો પણ આમાં પૂરો સહકાર છે કારણ ઘરની પરિસ્થિતિ જ એવી છે કે મજબૂરી થી ચોરી કરવી પડે, બટુકની નજર ઘણા સમયથી મઢ આઈલેન્ડના ખાલી પડેલા બંગલા પર છે,જેનો માલિક ત્યાં પૈસા રાખવા ક્યારેક ક્યારેક આવે છે બંગલા નો માલિક જે વ્યવસાયે બિલ્ડર છે પણ આલ્બમના વિડીયો રેકોર્ડિંગ ને બહાને પરી નામની એક યુવતી ને બંગલા પર બોલાવે છે અને પત્નીને એમ કહે છે કે તે અમદાવાદ જવાનો છે. આ બાજુ તેની પત્નીને એમ કે તેનો પતિ અમદાવાદ ગયો છે તેથી તે તેના બોયફ્રેન્ડને બોલાવે છે હવે બંગલામાં એક જ સમયે બટુક ચોર, બંગલા નો માલિક તેના દ્વારા બોલાયેલી યુવતી તેની પત્ની તેમજ પત્નીનો મિત્ર તેમજ બીજી બધી ઘણી વણઝાર ભેગી થાય છે અને તે બધું સત્ય એકબીજાથી છુપાવવા જુઠ પર જુઠ બોલાય છે અને ઉડે છે હાસ્યની છોડો,અંતે ખાધું પીધું ને રાજ કીધું ના અંત સાથે પ્રેક્ષકો બે અડધી ખીચડી કઢી નામની લાફિંગ ક્લબ માંથી બહાર પડે છે.
ગુજરાતી તખ્તાનાં સાંપ્રત સમયના જબરજસ્ત હાસ્ય અદાકારો તરીકે સંજય ગોરડીયા અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રથમ હરોળમાં આવે. કલાકારોની બહુ મોટી ફોજ હોવા છતાં સંજયભાઈ નામનું એન્જિન હોય ત્યારે બીજા બધાએ તો ફક્ત સાથ જ પુરાવવાનો હોય.
લફડાઓની સંતાકૂકડી રમવા બીજા ઘણા કિરદારો છે અને તે દરેકનું કામ પણ વખાણવા લાયક છે પણ જ્યારે સંજય ગોરડીયા ની અદાકારી, ડાયલોગ ડિલિવરી તેમજ હસાવી શકવાની ભરપૂર ક્ષમતા હોય ત્યારે નાટકનો મોટાભાગનો ભાર તે જ ઉપાડી લેતા હોય. પપ્પુ પાસ થઈ ગયો, આ નમો બહુ નડે છે કે થોડા વખત પહેલા જ રજૂ થયેલું બૈરાઓનો બાહુબલી જેવા અસંખ્ય સફળ નાટકો દ્વારા સંજય ગોરડીયા એ ખૂબ જ ખ્યાતિ મેળવી છે. વિનોદ સરવૈયા તેમની કથા તેમજ તેના સંવાદો દ્વારા ભરપૂર હાસ્ય પીરસે છે, હા મધ્યાંતર બાદ અમુક પ્રસંગો જેમ કે ઢીંગલા ઢીંગલી દ્વારા એકબીજાના સંબંધો સમજાવવાનો પ્રસંગ ટુંકો કરી શકાત અન્યથા નિવારી શકાત.
અન્ય કલાકારોમાં સૌનીલ દરૂ, પૂજા દમણીયા ભાવિતા સંઘવી, પ્રતીક દવે, કૌસુંબી ભટ્ટ, ફલક મહેતા તેમજ ભાસ્કર ભોજક એ દરેક નો અભિનય ખૂબ જ સુંદર સાથ પુરાવે છે.
સંજય ગોરડિયા પ્રોડક્શનનું,વિશાલ ગોરડીયા પ્રસ્તુત બે અઢી ખીચડી કઢી કોમેડી નાટક ડબલ તડકા સાથે હાસ્યના સબડકા લેવડાવે છે રોજ રોજની રૂટીન લાઈફથી કંટાળી કામ ધંધાના ટેન્શનમાંથી બહાર નીકળી અઢી કલાકનું નિર્દોષ હાસ્ય જોઈતું હોય તો આ નાટક જોવામાં જરા પણ ખોટનો સોદો નથી.
*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે.