ત્રીસથી પણ વધુ વરસોથી રંગભૂમિ સાથે જોડાયેલા અને અનુભવી એવા કમલેશ મોતાનું દિગ્દર્શન, લિનેશ ફણસેનો બેનમૂન અભિનય અને માર્મિક પણ હળવી શૈલીમાં બોલાયેલા સંવાદોથી સભર નાટક એટલેકે ધુમ્મસ.
વરસો પહેલા ભજવાયેલા પ્રવિણ જોશીના નાટક ધુમ્મસ જે ૧૯૬૯ માં આવેલા ઇત્તફાકથી પ્રેરિત હતું તેની કથાને આ ધુમ્મસ સાથે કોઈ સબંધ નથી આમા વાત છે ડોક્ટર વિક્રમ સંઘવીની જે લોકપ્રિય મનોચિકિત્સક છે અને પોતાની પત્ની અને સુંદર પુત્રી કાવ્યા સાથે રહે છે. વિદેશથી ઘરે આવતાની સાથેજ તેના મિત્ર અનુજ, જે સરકારી હોસ્પિટલમાં ડોક્ટર છે તેનો ફોન આવે છે અને વિક્રમની ઘણી ના કહેવા છતાં એક યુવતી કેસર જે પાગલપણાની દરદી છે અને તેના પર ખૂનનો શક છે તેને માટે રાતેજ હોસ્પિટલ બોલાવે છે. વિક્રમ કેસરનો કેસ સ્ટડી કરે છે તેને ફોસલાવીને તેની સાથે વાત કરે છે અને જયારે વહેલી સવારે ઘરે આવે છે ત્યારે તેની પુત્રી કાવ્યાને ઘરમાથી કિડનેપ કરાય છે તેનો ખ્યાલ આવે છે. કેસર તે પણ કોઇ પિતાની પુત્રી છે તેના મન પર છવાયેલું ધુમ્મસ ડોક્ટર વિક્રમ હટાવી શકે છે? કેસર અને કાવ્યાના કિડનેપીંગ ને શું સબંધ છે?
લેખક અંશુમાલી રૂપારેલ દ્વારા લિખિત કથા મધ્યાંતર સુધી ધીમી ચાલે છે પણ પછી ઝડપથી પ્રસંગો બને છે. કથામાં લાગતી અમુક નબળાઇઓ સંવાદો અને અદાકારીને લીધે સરભર થઇ જાય છે. કમલેશ મોતા કલાકારો પાસેથી સારૂ કામ લઇ શક્યા છે અને દિગ્દર્શન પર એમની હથોટી હોવાને લીધે ગંભીર વિષય પણ અસરકારક રીતે રજૂ કરી શક્યા છે. સ્ટેજ ઉપર એક બાજુ ઘર અને બીજી તરફ હોસ્પિટલનો રૂમ બતાવેલો છે પણ જયારે હોસ્પિટલનું દ્રશ્ય ભજવાતુ હોય ત્યારે સ્ટેજ પર બીજી બાજુ ઘરના અંધારામા અન્ય કલાકાર એકજ પોઝિશનમાં બેસી રહે છે તે બેકસ્ટેજમાં નથી જતા તે કમલેશભાઈનો કમાલ છે. ડોક્ટર વિક્રમની ભૂમિકામાં લિનેશ ફણસેના અભિનય પર પૂરા નાટકનો ભાર છે. શરૂઆત ગુજરાતી સિનેમા મોનાલીસા, ધુળકી તારી માયા લાગી વગેરેથી કરનાર લિનેશે બોલીવુડની કોમેડી ફિલ્મ 'કોલ ફોર ફન' માં પણ અભિનય કરેલ છે અને આ નાટકમાં પણ એક પતિ, પિતા તેમજ લાગણીશીલ ડોક્ટર તરીકેનો કિરદાર બરાબર નિભાવી જાય છે. કેસરની ભૂમિકામાં તોરલ ત્રિવેદીનો અભિનય સુંદર છે પણ અમુક જગ્યાએ પાગલપણામાં ઓવરએક્ટિંગ કરતી હોય તેમ લાગે છે. કોણ જાણે કેમ પાગલપણાનો અભિનય જોતા હોઇએ ત્યારે સુજાતા મહેતાનું 'ચિત્કાર' યાદજ આવી જાય. કાવ્યાનાં પાત્રમાં બેબી શ્રેયલ જાનીનો અભિનય બહુ cute છે, નાટકમાં મા, બાપ અને દિકરીનો પરિવાર પરાણે વહાલો લાગે છે. બાકી પત્નીના પાત્રમાં રાજકમલ દેશપાંડે, ડોક્ટર અનુજના પાત્રમાં જય ભટ્ટ, કેસરના પિતાના પાત્રમાં ક્રિષ્ના કાનાબારનો અભિનય સરસ છે સુભાષ આચરની સેટરચના નયનરમ્ય છે.
નાટકની રજૂઆત પહેલાં અને શરૂઆત જોયા બાદ નાટક માટે જેટલો રોમાંચ અને ઉત્કંઠા હતી તેટલી નાટકના અંત સુધી જળવાતી નથી. ટૂંકમાં મયંક મહેતા નિર્મિત અને કમલેશ મોતા દિગ્દર્શીત 'ધુમ્મસ' સારું કહી શકાય પણ ક્લાસિક નહીં.
*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે.